રાયબરેલી અકસ્માત: ડ્રોન કેમેરાથી થઈ રહી છે નિગરાની, ઉત્તર પ્રદેશ ATS કરશે તપાસ
ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આજે સવારે ભીષણ ટ્રેન અકસ્માત થયો છે. હરચંદપુરના આઉટર પાસે આજે સવારે ફરક્કા એક્સપ્રેસના એન્જિન સહિત 9 ડબ્બા પાટા પરથી ખડી પડ્યાં.
Trending Photos
નવી દિલ્હી/રાયબરેલી: ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આજે સવારે ભીષણ ટ્રેન અકસ્માત થયો. રાયબરેલીના હરચંદપુર સ્ટેશન પાસે ન્યુ ફરક્કા એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઈ. એન્જિન સહિત 9 ડબ્બા ખડી પડ્યાં. અકસ્માતમાં અત્યાર સુધી સાત લોકોના મોતની પુષ્ટિ થઈ છે. અને અનેક લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ અંદર બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતમાં મૃતકોના આશરે જીવી રહેલા તેમના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરાઈ છે. આ દુર્ઘટના એક અકસ્માત છે કે પછી કોઈ ષડયંત્ર? તેની તપાસ યુપી એટીએસ કરશે. આ બાજુ રેલમંત્રી પીયુષ ગોયલે પણ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે અને તપાસના આદેશ આપ્યા છે.
ડ્રોન અને કેમેરાથી થઈ રહી છે નિગરાણી
અકસ્માતની જાણકારી આપતા એડીજી લો એન્ડ ઓર્ડર આનંદકુમારે કહ્યું કે સ્થિતિઓ પર નિગરાણી રાખવા માટે ડ્રોન અને લાંબા અંતરના કેમેરાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઘટનાસ્થળે એનડીઆરએફની ટીમ હાજર છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને જેમ બને તેમ જલદી લખનઉ રવાના કરવાની તૈયારી થઈ રહી છે.
મૃતકોના પરિજનો માટે કેન્દ્ર સરકારે કરી સહાયની જાહેરાત
યુપી સરકાર દ્વારા મૃતકોના પરિજનો અને ઘાયલોની સારવાર માટે સહાયની જાહેરાત થયા બાદ હવે કેન્દ્ર સરકારે પણ મદદ માટે હાથ આગળ વધાર્યાં છે. કેન્દ્રીય રેલમંત્રી પીયુષ ગોયલે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા કેન્દ્ર સરકાર તરફથી મૃતકોના પરિજનો માટે 5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. જ્યારે ગંભીર રીતે ઘાયલ લોકોની સારવાર માટે એક લાખ રૂપિયા આપવામાં આવશે. મામૂલી ઈજા માટે 50,000 રૂપિયાની મદદ કરાશે.
#SpotVisuals: Rescue and relief operations are underway at the spot where 9 coaches of New Farakka Express train derailed in #Raebareli. 7 people died in the accident, 21 injured. pic.twitter.com/JwukreeWVY
— ANI UP (@ANINewsUP) October 10, 2018
ઘટના બાદ આઉટર પાસે ભાગદોડ મચી ગઈ છે. જેમાં અનેક લોકો ઘાયલ થયા. ટ્રેન અકસ્માતની જાણકારી મળતા જ પ્રશાસનિક અધિકારીઓએ રાહત અને બચાવ કામ શરૂ કરી દીધુ છે. જો કે હજુ સુધી એ જાણવા મળ્યું નથી કે આ અકસ્માત કેવી રીતે થયો. કહેવાય છે કે આ ટ્રેન માલદાથી નવી દિલ્હી જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો. આ ટ્રેન હરચંદપુર સ્ટેશનથી 50 મીટરના અંતરે જ પાટા પરથી ઉતરી ગઈ. નોંધનીય છે કે યુપીમાં આ અગાઉ પણ અનેક વખત ટ્રેનોના ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા હોવાની દુર્ઘટના સામે આવી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને ગંભીરતાથી લેતા ડીએમ, એસપી સહિત અધિકારીઓને કામગીરીના નિર્દેશ આપ્યાં છે.
New Farakka Express train derailment in #Raebareli: Emergency helpline no. set up at Deen Dayal Upadhyaya Junction-BSNL-05412-254145
Railway-027-73677. Emergency helpline numbers set up at Patna Station -
BSNL-0612-2202290, 0612-2202291, 0612-220229, Railway Phone No.- 025-83288
— ANI (@ANI) October 10, 2018
સીએમ યોગીએ કરી ડીજીપી સાથે વાત
અકસ્માતની જાણકારી મળતા જ પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડીજીપી સાથે ફોન પર વાતચીત કરી. રિપોર્ટ્સ મુજબ સીએમ યોગીએ રેલ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતા ડીજીપીને જરૂરી કાર્યવાહી કરવાનું જણાવ્યું છે. અકસ્માત બાદ રેલવે તરફથી અધિકૃત રીતે હેલ્પલાઈન નંબર પણ જારી કરવામાં આવ્યાં છે. કોઈ પણ વ્યક્તિના પરિજનો આ અકસ્માતમાં ફસાયેલા છે તો તેઓ 027-73677 પર ફોન કરીને માહિતી મેળવી શકે છે.
રેલવે બોર્ડ અધ્યક્ષ ઘટનાસ્થળ માટે રવાના-સૂત્ર
અધિકારીઓએ આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી છે. રેલવે સૂત્રોના જણાવ્યાં પ્રમાણે રેલવે બોર્ડના અધ્યક્ષ અશ્વિની લોહાની પણ દુર્ઘટનાસ્થળે રવાના થઈ ગયા છે. લખનઉના ડીઆરએમ સતીષકુમારે જણાવ્યું કે આ દુર્ઘટના આજે સવારે 6.05 વાગે ઘટી હતી.
અકસ્માતના કારણે ટ્રાફિક ખોરવાયો
કુમારના જણવ્યાં મુજબ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે. અકસ્માતના કારણે અનેક રૂટની અપ અને ડાઉન લાઈનો પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે